ચાંચવેલમાં સરકારી પડતર જમીનમાંથી માટી ઉપાડવાનો ખેલ? ગ્રામ પંચાયતના ઠરાવથી લઈને 24 કલાકમાં મળેલી મંજૂરી શંકાનાં દાયરામાં

કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા નિયમો નેવે મુકાયા હોવાના આક્ષેપ, સમગ્ર પ્રક્રિયામાં અધિકારીઓનો ઉત્સાહ કંઈક રંધાયુ હોવાનો ઈશારો કરે છે.

રાજ્ય સરકારની સુજલામ-સુફલામ યોજના જળસંચય અને પાણીના સ્ત્રોતોને મજબૂત બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે. જોકે કેટલાક વિસ્તારોમાં આ જ યોજનાના નામે સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ઉપાડવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં સામે આવેલા એક પ્રકરણમાં ગ્રામ પંચાયતના ઠરાવ, મંજૂરી પ્રક્રિયા અને સિંચાઈ વિભાગની કામગીરી સામે અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુજબ આમોદ-મુલેર-દહેજ ફોર ટ્રેક રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામનો વર્ક ઓર્ડર શિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને આપવામાં આવ્યો છે, જ્યારે તેનો સબ-કોન્ટ્રાક્ટ ભવાની કાર્ટિંગના રાજુભાઈને સોંપવામાં આવ્યો હોવાનું જણાવાય છે. માર્ગના ભરાવ અને સમતલીકરણ માટે માટીની જરૂરિયાત દર્શાવી ચાંચવેલ ગામની પંચાયત હદમાં આવેલી સરકારી પડતર જમીનના સર્વે નં. 395, 1311, 1320, 420, 408, 410 અને 426માંથી માટી ઉપાડવા માંગણી કરવામાં આવી હતી.

ત્યારબાદ 7 મે, 2026ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની બેઠકમાં સર્વે નંબર 1320ને દૂર કરી તેના સ્થાને 1329નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને માટી ઉપાડવા અંગે ગ્રામ પંચાયતને વાંધો ન હોવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખાણ-ખનીજ વિભાગ તથા અન્ય સક્ષમ સત્તાધીશોની મંજૂરી, રોયલ્ટી પરવાનગી અને અન્ય કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ખોદકામ હાથ ધરવાનું રહેશે.

પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે ગ્રામ પંચાયતના ઠરાવમાં જે શરતો મૂકવામાં આવી હતી તેનું પાલન ખરેખર થયું હતું કે નહીં? જો તમામ મંજૂરીઓ ફરજિયાત હતી તો તેની ચકાસણી કોણે કરી? શું જરૂરી મંજૂરીઓના દસ્તાવેજો ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા? જો થયા હતા તો તે જાહેર કેમ કરવામાં આવતા નથી?

ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ તેમજ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તા. 23-02-2026ના પરિપત્ર મુજબ સરકારી પડતર અથવા ખરાબા જમીનમાં ખોદકામ કરતા પહેલા કલેક્ટરની મંજૂરી અને જમીનના રેકોર્ડમાં જરૂરી ફેરફારો કરવાની જોગવાઈ છે. ફરિયાદીઓનો આક્ષેપ છે કે આ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચા અંકલેશ્વર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની ભૂમિકાને લઈને થઈ રહી છે. ગ્રામ પંચાયતનો ઠરાવ 7 મેના રોજ પસાર થાય અને બીજા જ દિવસે એટલે કે 8 મેના રોજ મંજૂરી મળી જાય, તે અનેક સવાલો ઉભા કરે છે. શું તમામ વિભાગોના અભિપ્રાયો, રેકોર્ડ ચકાસણી, કાયદાકીય મંજૂરીઓ અને સ્થળ નિરીક્ષણ માત્ર 24 કલાકમાં પૂર્ણ થઈ ગયા હતા? કે પછી ફાઈલને અસામાન્ય ઝડપે આગળ ધપાવવામાં આવી?

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે સબ-કોન્ટ્રાક્ટર તરીકે કામ સંભાળનાર વ્યક્તિની રાજકીય અને આર્થિક પહોંચના કારણે પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ હોવાની સંભાવનાને નકારી શકાય નહીં. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ મંજૂરી પ્રક્રિયાની અસામાન્ય ઝડપે અનેક સવાલોને જન્મ આપ્યો છે.

મહત્વનો મુદ્દો એ પણ છે કે સરકારી પડતર જમીનમાંથી વાસ્તવમાં કેટલી માટી ઉપાડવામાં આવી? ઉપાડવામાં આવેલી માટીની માપણી કોણે કરી? રોયલ્ટી ભરવામાં આવી હતી કે નહીં? અને સૌથી અગત્યનું, ઉપાડવામાં આવેલી માટીનો ઉપયોગ માત્ર મંજૂર કરાયેલા માર્ગના કામમાં જ થયો હતો કે અન્યત્ર પણ કરવામાં આવ્યો હતો? આ મુદ્દાઓ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

ફરિયાદીઓનું માનવું છે કે જો સરકારી જમીનમાંથી ઉપાડવામાં આવેલી માટીનો સંપૂર્ણ હિસાબ, પરિવહનના રેકોર્ડ, રોયલ્ટી દસ્તાવેજો અને મંજૂરી સંબંધિત ફાઈલોની તપાસ કરવામાં આવે તો સમગ્ર પ્રકરણનું સાચું ચિત્ર બહાર આવી શકે છે. તેથી હવે માત્ર ગ્રામ પંચાયતના ઠરાવની નહીં પરંતુ મંજૂરી આપનાર અધિકારીઓ, સંબંધિત વિભાગો અને સમગ્ર પ્રક્રિયાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.

કારણ કે જો સરકારી જમીન, સરકારી યોજના અને જાહેર સંપત્તિ સાથે જોડાયેલા મુદ્દાઓમાં નિયમોને અનુકૂળ રીતે વાળવામાં આવ્યા હોય તો તે માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ જાહેર હિત સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરે છે કે પછી આ સવાલો પણ કાગળોમાં જ દટાઈ જાય છે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 1 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *