જંબુસરમાં આદિવાસી મજૂરોના શોષણનો ગંભીર આક્ષેપ : સુપર સોલ્ટ કંપની સામે કાયદેસર તપાસની માંગ ઉગ્ર બની

20થી 25 વર્ષથી કામ કરતા મજૂરોને કાયમી નોકરી, PF, વીમા અને શ્રમિક હક્કોથી વંચિત રાખવાનો આરોપ, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા મજૂરના કેસે ઉઠાવ્યા અનેક સવાલો, આદિવાસી સખાવટી મંચે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી માગી

જંબુસર તાલુકામાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક એકમોમાં આદિવાસી અને શ્રમિક વર્ગના કામદારોના શોષણના ગંભીર આક્ષેપો વચ્ચે હવે મામલો વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે. આદિવાસી સખાવટી મંચ જંબુસરના પ્રમુખ સુરેશભાઈ જશુભાઈ વસાવા અને મંચના સભ્યો દ્વારા નાયબ કલેક્ટર કચેરી, જંબુસરને આવેદનપત્ર પાઠવી જંબુસર તાલુકાની વિવિધ કંપનીઓ, ખાસ કરીને સુપર સોલ્ટ કંપની સામે શ્રમિક કાયદાઓના ભંગ, આદિવાસી મજૂરોના શોષણ અને કાયદેસર હકોના હનન અંગે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં રજૂ કરાયેલા આક્ષેપો મુજબ જંબુસર તાલુકાના અનેક ગામોમાં વસતા આદિવાસી રાઠોડ, વસાવા સહિત અન્ય સમાજના લોકો વર્ષોથી વિવિધ કંપનીઓમાં મજૂરી કાર્ય કરી રહ્યા છે. કેટલાક કામદારો છેલ્લા 20થી 25 વર્ષથી સતત સેવા આપી રહ્યા હોવા છતાં તેઓને કાયમી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. સાથે સાથે ફેક્ટરી એક્ટ, લેબર કાયદા, સામાજિક સુરક્ષા જોગવાઈઓ અને કર્મચારી કલ્યાણ સંબંધિત નિયમોનું પાલન થતું નથી તેવી ગંભીર રજૂઆત કરવામાં આવી છે.

આદિવાસી સખાવટી મંચના જણાવ્યા મુજબ અનેક કામદારોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ વર્ષો સુધી કામ કરાવવામાં આવે છે, પરંતુ તેઓને યોગ્ય વેતન, ભથ્થાં, વીમા, પ્રોવિડન્ટ ફંડ (PF), આરોગ્ય સુરક્ષા તથા અન્ય સરકારી લાભોથી વંચિત રાખવામાં આવે છે. વધુ સમય સુધી કામ લેવાતું હોવા છતાં કાયદા મુજબની સુવિધાઓ આપવામાં આવતી નથી, જે શ્રમિક શોષણનો ગંભીર મુદ્દો હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.
મામલાનો સૌથી ગંભીર મુદ્દો મગણાદ ગામ સ્થિત સુપર સોલ્ટ કંપની સાથે જોડાયેલ હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. રજૂઆત મુજબ મગણાદ ગામના આદિવાસી સમાજના દશરથભાઈ રાઠોડ છેલ્લા અંદાજે 10થી 15 વર્ષથી સુપર સોલ્ટ કંપનીમાં કામ કરતા હતા. ફરજ દરમિયાન અચાનક ચક્કર આવતાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના અનુસંધાને પરિવારને કંપની તરફથી કોઈ યોગ્ય આર્થિક સહાય કે કાયદેસર વળતર આપવામાં આવ્યું ન હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આવેદનમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દશરથભાઈને સીધો પગાર ચૂકવવાના બદલે અન્ય વ્યક્તિના બેંક ખાતામાં પગાર જમા કરાવી ત્યારબાદ તે વ્યક્તિ મારફતે રકમ પહોંચાડવામાં આવતી હતી. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર શ્રમિક કાયદાઓના ભંગનો મુદ્દો નહીં પરંતુ રોજગાર અને પગાર વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાનો વિષય બની શકે છે. આ કારણે સુપર સોલ્ટ કંપનીની રોજગાર પ્રણાલી, પગાર ચુકવણીની પદ્ધતિ, PF કપાત, ESI નોંધણી અને શ્રમિક કલ્યાણ સંબંધિત તમામ દસ્તાવેજોની સ્વતંત્ર તપાસ કરવાની માંગ ઉઠી છે.

આદિવાસી સખાવટી મંચે રજૂઆતમાં જણાવ્યું છે કે ગરીબ, અભણ અને જરૂરિયાતમંદ આદિવાસી મજૂરોની અજ્ઞાનતાનો લાભ લઈ તેમને તેમના કાયદેસર હક્કોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. વર્ષો સુધી સેવા આપતા કામદારોને કાયમી નોકરી આપવામાં આવતી નથી, જેના કારણે તેઓ નિવૃત્તિ, વીમા અને અન્ય સુરક્ષા લાભોથી પણ દૂર રહે છે.

આવેદનપત્રમાં માત્ર કંપનીઓ જ નહીં પરંતુ કેટલાક સરકારી કર્મચારીઓની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તાજેતરના એક બનાવનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે જંબુસર તાલુકાના નોબારા વિસ્તારની નોબારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ એક આદિવાસી વિધવા મહિલાને પેઢીનામું મેળવવાની પ્રક્રિયામાં અનેક દિવસો સુધી હેરાનગતિ કરી હોવાના આક્ષેપો છે. મહિલાના પતિ રમેશભાઈ ગલાભાઈ વસાવાનું અકસ્માતમાં મૃત્યુ થતાં સરકારની સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં વિલંબ અને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે આદિવાસી સખાવટી મંચે માંગ કરી છે કે સુપર સોલ્ટ કંપની સહિત સંબંધિત તમામ કંપનીઓમાં શ્રમિક કાયદાઓનું પાલન થાય છે કે નહીં તેની શ્રમ વિભાગ, ફેક્ટરી નિરીક્ષક કચેરી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), ESIC, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવે. સાથે જ જો કોઈ અનિયમિતતા કે કાયદા ભંગના પુરાવા મળે તો જવાબદારો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

આવેદનપત્ર બાદ હવે નજર તંત્રની કામગીરી પર છે. આદિવાસી મજૂરોના શોષણ, કાયદેસર હક્કોથી વંચિતતા અને સુપર સોલ્ટ કંપની સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

સુપર સોલ્ટ કંપની સામે મુખ્ય આક્ષેપો

10થી 15 વર્ષથી સેવા આપતા મજૂરોને કાયમી ન કરવાના આક્ષેપ

PF, વીમા અને અન્ય શ્રમિક હક્કોથી વંચિત રાખ્યાનો આરોપ

કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ લાંબા સમય સુધી કામદારોનો ઉપયોગ

ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કામદારના પરિવારને પૂરતી સહાય ન મળ્યાનો આક્ષેપ

પગાર અન્ય વ્યક્તિના ખાતા મારફતે ચૂકવાતો હોવાનો ગંભીર આરોપ

ફેક્ટરી એક્ટ અને શ્રમિક કાયદાના ભંગની તપાસની માંગ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *