ગ્રામજનોનો આક્ષેપ: રાત-દિવસ માટી ચોરી કરી ઉપાડાઈ રહી છે, ઔદ્યોગિક પ્લોટોમાં થઈ રહ્યું છે માટી પુરાણ; ખાણ-ખનીજ વિભાગ, અને સ્થાનિક તંત્રની કામગીરી સવાલોના ઘેરામાં

વાગરા તાલુકાના ચોલાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મોટા પાયાના માટી ખોદકામને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામ અને આસપાસના વિસ્તારોમાં હજારો ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અનેક સ્થળોએ ઓવરલોડ હાઇવા અને ડમ્પર દ્વારા માટીનું પરિવહન પણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.
ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસું માથે આવી ગયું છે ત્યારે જમીનમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢીને વિશાળ ખાડાઓ ઊભા કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વરસાદી પાણી ભરાતા આ ખાડાઓ ઊંડા મોટા તળાવ જેવા બની જશે અને તે માનવજીવન માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. ખેડૂતો, મજૂરો, પશુપાલકો અને નાના બાળકો માટે આવા ખાડાઓ જીવલેણ સાબિત થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ સમગ્ર ખોદકામ પાછળ પ્રભાવશાળી લોકોની ભૂમિકા હોઈ શકે છે, જેના કારણે જવાબદાર વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે આ ચર્ચાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બધું નિયમ મુજબ થઈ રહ્યું છે તો મંજૂરી, રોયલ્ટી, માપણી અને ખોદકામની સંપૂર્ણ વિગતો જાહેર કેમ કરવામાં આવતી નથી?
ખાસ કરીને ખાણ-ખનીજ વિભાગની કામગીરીને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. વિભાગ દ્વારા સમયાંતરે વાહનો જપ્ત કર્યાના અને કરોડો રૂપિયાના દંડ વસૂલ્યાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર ખોદકામ પાછળ સંકળાયેલા મુખ્ય તત્વો સામે કેટલી કાર્યવાહી થઈ છે અને તેમના નામો કેમ જાહેર કરવામાં આવતા નથી તે પ્રશ્ન હજુ પણ અનઉત્તરિત છે.
સ્થાનિકોનું કહેવું છે કે જો વાહનો જ પકડવામાં આવે અને ખોદકામ કરાવનારા મૂળ સૂત્રધારો સુધી કાયદો ન પહોંચે તો આવી કાર્યવાહીનો કોઈ અર્થ રહેતો નથી. લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વર્ષોથી ચાલતા મોટા પાયાના ખોદકામ સામે તંત્રનું વલણ માત્ર કાગળ પરની કાર્યવાહી પૂરતું મર્યાદિત રહી ગયું છે.

આક્ષેપો મુજબ ચોલાદ અને આસપાસના વિસ્તારોમાંથી ઉપાડવામાં આવતી ચોરી કરેલી માટીનો ઉપયોગ મોટા પાયે ઔદ્યોગિક એકમોના પ્લોટોમાં જમીન પુરાણ માટે કરવામાં આવી રહ્યો છે. જો આ માટી નિયમિત રોયલ્ટી ચૂકવ્યા વગર અને કાયદાકીય મંજૂરી વિના પહોંચાડવામાં આવી રહી હોય તો તે સરકારી આવકને સીધી અસર પહોંચાડતો ગંભીર મુદ્દો બની શકે છે. જાણકારોના મતે આવા કિસ્સાઓમાં ખોદકામ સ્થળ અને માટી જ્યાં પહોંચાડવામાં આવે છે તે બંને સ્થળોની સંયુક્ત તપાસ જરૂરી બને છે.
ગ્રામજનોનો દાવો છે કે આ મુદ્દે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર ની કાર્યવાહી નહિવટ જોવા મળે છે. જેના કારણે લોકોમાં એવી માન્યતા મજબૂત બની રહી છે કે ગેરકાયદેસર ખનન અને માટી ચોરીના કેસોમાં ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ કાર્યરત હોઈ શકે છે. કેટલાક લોકો અગાઉ ચર્ચામાં રહેલા નરેશ જાની કથિત ખનન કૌભાંડોનો ઉલ્લેખ કરીને વર્તમાન સ્થિતિની પણ સ્વતંત્ર તપાસની માંગ કરી રહ્યા છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યારે અધિકારીઓ તપાસ માટે નીકળે છે ત્યારે અગાઉથી માહિતી લીક થઈ જતી હોવાના કારણે સ્થળ પરની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. જો આવા આક્ષેપોમાં કોઈ સત્યતા હોય તો તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે.
લોકોની માંગ છે કે સમગ્ર મામલે માત્ર વાહન પકડવાની કાર્યવાહી પૂરતી ન રહે પરંતુ ખોદકામ કરનાર, પરિવહન કરનાર, માટી ખરીદનાર અને તેનો ઉપયોગ કરનાર તમામ કડીઓની તપાસ થવી જોઈએ. સાથે જ ખોદકામ સ્થળોની GPS આધારિત માપણી, ડ્રોન સર્વે અને સેટેલાઇટ ઈમેજરીના આધારે વાસ્તવિક ખોદકામનું મૂલ્યાંકન કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે.
સ્થાનિકોમાં હવે એવી પણ માંગ ઉઠી રહી છે કે જો જરૂર પડે તો રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર દ્વારા પણ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓની ભૂમિકા અને સંભવિત સાંઠગાંઠની તપાસ કરવામાં આવે જેથી લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર થઈ શકે.
ચોલાદ અને આસપાસના વિસ્તારોના લોકોનો સ્પષ્ટ મત છે કે ગેરકાયદેસર માટી ખોદકામ માત્ર આવકચોરીનો મુદ્દો નથી, પરંતુ તે પર્યાવરણ, કૃષિ જમીન, જાહેર સલામતી અને સરકારી તિજોરીને અસર કરતો ગંભીર વિષય છે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની ગંભીર અસરો સામે આવી શકે છે.

