
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હવાઈ હુમલા કરીને 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો. આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ સામેની લડાઈમાં પોતાના અજેય પરાક્રમનો પરચો વિશ્વ સમક્ષ રજૂ કર્યો.
આ ગૌરવશાળી સફળતાને સન્માનિત કરવા અને દેશભક્તિનો ઉત્સાહ જગાવવા માટે, આજે 19 મે 2025ના રોજ ઠાસરા શહેર ખાતે ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર પરમારના અધ્યક્ષ સ્થાને ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સ્થાનિક નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા અને દરેક નાગરિકના હાથમાં તિરંગો લહેરાતો જોવા મળ્યો, જે ભારતીય સેના પ્રત્યેના ગૌરવ અને સન્માનનું પ્રતીક બન્યું.
આ તિરંગા યાત્રા દ્વારા ઠાસરા શહેરે ભારતીય સેનાના શૌર્યને સલામ કરી અને આતંકવાદ સામેની લડાઈમાં દેશની એકતા અને શક્તિનો સંદેશ આપ્યો. આ યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રતિનિધિઓએ પણ સહયોગ આપ્યો.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..