CRZ વિસ્તારના ભંગથી લઈને હાઇવે પ્રોજેક્ટમાં માટીના ઉપયોગ સુધી ગંભીર આરોપો; એડવોકેટ કમલેશ મઢીવાલાએ કલેક્ટર, GPCB અને ખાણ-ખનીજ વિભાગને ફોજદારી કાર્યવાહી માટે રજૂઆત કરી

ભરૂચ જિલ્લાના મનાડ ગામ નજીક ભાડભૂત બેરેજ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે માટી ખનન, ગૌચરની જમીનના નુકસાન, નદી કિનારાના પ્રતિબંધિત CRZ વિસ્તારના ભંગ અને સરકારી પ્રોજેક્ટોમાં ચોરીની માટીના ઉપયોગ અંગે ગંભીર આક્ષેપો સાથે એડવોકેટ કમલેશ એસ. મઢીવાલાએ કલેક્ટર ભરૂચ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રાદેશિક અધિકારી તેમજ જિલ્લા ભુસ્તરશાસ્ત્રીને વિગતવાર ફરિયાદ પાઠવી છે. ફરિયાદમાં સમગ્ર મામલે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મનાડ ગામની સીમમાં ભાડભૂત બેરેજનું કામ ચાલી રહ્યું છે. બેરેજના પશ્ચિમ ભાગમાં નર્મદા નદીના કિનારે આવેલા વિસ્તારમાં ગેરકાયદે રીતે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર આ વિસ્તાર CRZ નિયમો હેઠળ આવતો પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ત્યાંથી મોટા પાયે માટી ઉપાડવામાં આવી રહી છે.
ફરિયાદમાં મનાડ ગામના સર્વે નંબર 257, 263/1 અને 263/2નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સર્વે નંબર 257 ગૌચર જમીન તરીકે નોંધાયેલ હોવાનું, સર્વે નંબર 263/1 ગામ તળાવ અને પોટ ખરાબા વિસ્તાર તરીકે નોંધાયેલ હોવાનું તથા સર્વે નંબર 263/2 ભાડભૂત બેરેજ યોજના સાથે સંકળાયેલ જમીન હોવાનું જણાવાયું છે. ફરિયાદી દ્વારા આ વિસ્તારના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાના ચોક્કસ GPS લોકેશન પણ રજૂ કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આશરે 50 હેક્ટર વિસ્તારમાંથી માટી ઉપાડવામાં આવી હોવાનું પ્રાથમિક અંદાજ છે, જ્યારે યોગ્ય અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ વિસ્તાર અને ખનનની માત્રા વધુ બહાર આવી શકે છે. ઉપાડવામાં આવેલી માટી સામાન્ય ખેતીની પીળી માટીથી અલગ હોવાનું અને તેમાં નદી કિનારાની રેતી તેમજ નાના ઝાડ-ઝાંખરાની ડાળીઓ મિશ્રિત હોવાના કારણે તે નદીના બેટમાંથી લેવામાં આવેલી માટી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી દ્વારા આ સમગ્ર કૌભાંડમાં ત્રણ પક્ષોની સંડોવણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ભરૂચ-દહેજ હાઇવે પ્રોજેક્ટની કોન્ટ્રાક્ટ કંપની GHV India Pvt. Ltd., ભાડભૂત બેરેજ યોજનાની કોન્ટ્રાક્ટ કંપની Dilip Buildcon Limited (DBL) તેમજ મનાડ ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આ તમામના મેળાપીપણાથી ગૌચર અને ગામ તળાવની જમીનમાંથી માટી ઉપાડી તેને કેસરોલ નજીક GSRDC ટોલનાકાની ઉત્તર દિશામાં આવેલા સ્થળે એકત્ર કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેનો ઉપયોગ ભરૂચ-દહેજ હાઇવેના કામમાં કરવામાં આવી રહ્યો છે.
ફરિયાદમાં કેસરોલ ખાતેના માટી સ્ટોરેજ સ્થળનું GPS લોકેશન પણ રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત માટી ખોદકામ સ્થળ, સ્ટોરેજ સ્થળ અને હાઇવેમાં માટીના ઉપયોગના સ્થળોના ફોટોગ્રાફ્સ, વીડિયો અને GPS આધારિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સાથે જ ભરૂચ-દહેજ હાઇવે પર આવેલા કેસરોલ ટોલનાકાના CCTV ફૂટેજ પણ મહત્વના પુરાવા બની શકે હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ માટી ખનન માટે ખાણ-ખનીજ વિભાગ તરફથી કોઈ પરમિટ જારી કરવામાં આવી નથી, કલેક્ટર કચેરી તરફથી કોઈ ખનન લીઝ આપવામાં આવી નથી અને GPCB તરફથી CRZ સંબંધિત કોઈ મંજૂરી પણ અપાઈ નથી. આ સંજોગોમાં સરકારી જમીનમાંથી માટી ઉપાડીને તેનો ખાનગી ઉપયોગ કરવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એડવોકેટ કમલેશ મઢીવાલાએ પોતાની રજૂઆતમાં અનેક મહત્વપૂર્ણ તપાસ મુદ્દાઓ પણ સૂચવ્યા છે. જેમાં માટી ખોદકામ સ્થળ અને સ્ટોરેજ સ્થળની ગુપ્ત તપાસ, ત્રણ અલગ-અલગ સ્થળેથી માટીના નમૂનાઓ લઈ તેની વૈજ્ઞાનિક સરખામણી, કેટલા ઘનમીટર માટી ઉપાડવામાં આવી તેની ચોક્કસ ગણતરી, સ્ટોરેજ સ્થળના CCTV ફૂટેજના આધારે વાહનોની અવરજવર અને ટ્રીપની તપાસ, વાહનોના નંબર તેમજ ડ્રાઇવર-ક્લીનરની વિગતોની ચકાસણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરૂચ-દહેજ હાઇવેના કામ સાથે સંકળાયેલી GHV India Pvt. Ltd. તથા ભાડભૂત બેરેજ યોજના સાથે સંકળાયેલી DBL કંપનીના સરકારી બિલોની ચુકવણી સ્થગિત કરવામાં આવે. ઉપરાંત જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો બંને કંપનીઓ સામે લેન્ડ ગ્રેબિંગ, માટી ચોરી, સરકારી સંપત્તિને નુકસાન અને CRZ નિયમોના ભંગ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવે.
ફરિયાદમાં મનાડ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીને તેમના પદ પરથી દૂર કરવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ બંને કોન્ટ્રાક્ટ કંપનીઓને બ્લેકલિસ્ટ કરીને સરકારી વિભાગો સાથેના તમામ કરારો રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ફરિયાદમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે GHV India Pvt. Ltd. દ્વારા અત્યાર સુધી હાઇવે પ્રોજેક્ટમાં કેટલા પ્રમાણમાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો, તે માટી કોની પાસેથી ખરીદવામાં આવી, તેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવી અને તેની સામે કેટલી રોયલ્ટી ભરવામાં આવી તેની સંપૂર્ણ ઓડિટ કરાવવામાં આવે. ખાણ-ખનીજ વિભાગના રેકોર્ડ સાથે તેની તુલના કરીને જો કોઈ આંકડાકીય ગેરરીતિ બહાર આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
આ ઉપરાંત ભરૂચ-દહેજ હાઇવેના કામની દેખરેખ રાખતા R&B અને GSRDCના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે જો આટલા મોટા પાયે માટી ખનન અને પરિવહન થયું હોય તો સંબંધિત અધિકારીઓની જાણ બહાર આ પ્રવૃત્તિ શક્ય નથી, તેથી તેમની સંભવિત ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.
ફરિયાદ સાથે માટી ખોદકામ સ્થળ, માટી સ્ટોરેજ સ્થળ અને માટીના ઉપયોગના સ્થળોના ફોટોગ્રાફ્સ, વીડિયો, GPS લોકેશન તેમજ જમીન સંબંધિત દસ્તાવેજોની નકલો જોડવામાં આવી હોવાનું જણાવાયું છે. ફરિયાદી દ્વારા જણાવ્યું છે કે તપાસ દરમિયાન ખાણ-ખનીજ વિભાગ, GPCB, R&B વિભાગ અને GSRDC પાસેથી પ્રાપ્ત થતી માહિતી પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે.
હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર, ખાણ-ખનીજ વિભાગ, GPCB અને અન્ય સંબંધિત વિભાગો કઈ દિશામાં તપાસ આગળ ધપાવે છે અને રજૂ કરાયેલા આક્ષેપોમાં કેટલું તથ્ય બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. નોંધનીય છે કે ફરિયાદમાં કરવામાં આવેલા તમામ આક્ષેપો ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા છે, જેની સત્તાવાર તપાસ અને પુષ્ટિ સંબંધિત સરકારી વિભાગો દ્વારા થવાની બાકી છે.

