ભરૂચમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ પોક્સો એક્ટ, ગુડ ટચ-બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોના સહયોગથી દીકરીઓની સુરક્ષા અને કાયદાકીય અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કન્યાશાળા વલી અને જૈન સોશ્યલ ગ્રુપ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં બાળકો અને મહિલાઓને પોક્સો એક્ટ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 તેમજ સુરક્ષા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત વલી ખાતેની પ્રાથમિક કન્યાશાળામાં ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓને સુરક્ષા અંગે વિશેષ સમજ આપવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમન (DHEW) ના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર સેજલ પ્રજાપતિએ વિડિયો પ્રોજેક્ટર અને પીપીટીના માધ્યમથી પોક્સો એક્ટ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. આ દરમિયાન બાળકોનું જાતીય શોષણ અટકાવવા અને બાળ લગ્નથી થતા નુકસાન અંગે સચોટ માહિતી અપાઈ હતી. જેન્ડર સ્પેશિયાલિસ્ટ વર્ષાબેન ગોહીલ દ્વારા પ્રેક્ટિકલ ડેમો આપીને વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. આ તકે જેન્ડર સ્પેશિયાલિસ્ટ સેટલ સોલંકી દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, ઓએસસી કેસ વર્કર પિયુશા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને પીબીએસસી કાઉન્સેલર દ્વારા સેન્ટરની કામગીરી વિશે માહિતી આપી વિદ્યાર્થીનીઓને પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રજિયા ચાવડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા તબક્કામાં જૈન સોશ્યલ ગ્રુપ ભરૂચ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી અને ઇન્ચાર્જ મહિલા તથા બાળ અધિકારી પ્રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં 120 જેટલી મહિલાઓને બાળ લગ્નના કાયદાકીય પાસાઓ સમજાવવામાં આવ્યા હતા. અધિકારી દ્વારા બાળ લગ્ન એટલે શું, તેને રોકવા માટે સમાજની ભૂમિકા અને કાયદાના ઉલ્લંઘન સામે થતી કાર્યવાહી વિશે માર્ગદર્શન અપાયું હતું. અહીં પણ સેજલ પ્રજાપતિ દ્વારા સરકારી યોજનાઓ અને સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક તથા પીબીએસસી કાઉન્સેલર હેમાક્ષીબેન દ્વારા સંબંધિત કેન્દ્રોની સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે જૈન સોશ્યલ ગ્રુપના કેતકી બેન અને વર્ષાબેને આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ જે-તે સંસ્થાના સ્ટાફ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *