વલવાડા ગામે 12 ફૂટના રસ્તાને બિલ્ડરે સ્વખર્ચે પહોળો કરતા ગ્રામજનોની લાલ આંખ

વલવાડા ગામ વલસાડ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે. આ ગામમાં મોટેભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, હવે બદલાતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો-હાઉસના મોટા પ્રોજેકટ શરૂ કર્યા છે. આવા જ એક પ્રોજેકટને લઈ બિલ્ડરે 12 ફૂટના રસ્તાને પહોળો કરવા કાર્યવાહી હાથ ધરતા ગામલોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે. આ મામલે ગામલોકો અને બિલ્ડરે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજુ કર્યો હતો.રસ્તાને પહોળો કરવા મામલે નારાજગી દર્શાવનાર ગામના ખેડૂત મિલન પટેલ, માજી ઉપસરપંચ નિતેશ સુરતી સહિતના ગામલોકોએ જણાવ્યું હતું કે, વલવાડા તળાવ નજીકથી પસાર થતો આ રસ્તો પહેલા 12 ફૂટનો હતો. જેના પરથી ગામના ખેડૂતો પોતાના બળદગાડા અને અન્ય વાહનો લઈ ખેતીકામ માટે અવરજવર કરે છે. 200 જેટલા ખેડૂતો આ વિસ્તારમાં પોતાની વાડીઓમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે.

હાલમાં આ વિસ્તારમાં ગામના અન્ય લોકો છીબુભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, કલ્પેશ ભાઈ પટેલ સતિષભાઈ હળપતિ સાથે મળી રાકેશભાઈ નામના બિલ્ડરે રોહાઉસનો પ્રોજેકટ શરૂ કરવા તૈયારી શરૂ કરી છે. જે માટે તેઓએ 12 ફૂટના આ રસ્તાને 40 ફૂટનો કરવા માટી પુરાણ કર્યું છે. માટી પણ નજીકના તળાવમાંથી લાવી અહીં ના તળાવની કિનારે પાથરી છે. કિનારે જે ઝાડ હતા તે કાપી નાખ્યા છે. નજીકમાં ગાર્ડન અને જાહેર શૌચાલય ને નુકસાન કર્યું છે. આ સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર છે. જેની સામે ગામલોકોનું વિરોધ છે.ગામલોકોએ આક્ષેપ કર્યા હતા કે, વહીવટદાર અને અન્ય અધિકારીઓ સાથે મળી રસ્તાની મંજૂરી લીધી હોવાનું કહી બિલ્ડર પોતાના સ્વખર્ચે આ રસ્તો બનાવે છે. જેથી આગામી દિવસોમાં આ રસ્તો જો તેઓ માત્ર પોતાના માટે જ ઉપયોગ કરશે તો આ રસ્તાનો ઉપયોગ કરનાર ખેડૂતો મુસીબતમાં મુકાશે. એટલે અમે વહીવટીતંત્રને જાણ કરી માંગ કરી છે કે, આ રસ્તો જે પહેલા હતો એટલો જ 12 ફૂટનો રહે, જે તારખુંટા, બાથરૂમ, ગાર્ડન અને તળાવની પાળ ને નુકસાન કર્યું છે તેનું વળતર ચૂકવે. ગામલોકોએ નજીકના તળાવમાંથી માટી ચોરી થતી હોવાના પણ આક્ષેપ કર્યા છે.
જો કે, આ સમગ્ર મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે એ બિલ્ડર રાકેશ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગામલોકો પાસે અધૂરી માહિતી છે. અને કોઈ અન્યના ઈશારે ચડી જઇ આ વિરોધ નોંધાવી રહ્યા છે. હકીકતે રસ્તો 40 ફૂટનો નહિ પરંતુ 12 ફૂટના રસ્તાને તેઓ 20 ફૂટ પહોળો કરવા માંગે છે. અને તે માટે તેમજ જે ઝાડ કાપ્યા છે. જે માટી પુરાણ કર્યું છે. તે તમામ કામગીરી માટે ગ્રામપંચાયત અને તેને સંલગ્ન એજન્સી પાસેથી પરમિશન લીધી છે.

બિલ્ડરે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ગામના વિકાસમાં સહભાગી થવા માંગે છે. આ રસ્તાને તેઓ સ્વખર્ચે બનાવે છે. પરંતુ રસ્તો જાહેર જનતા માટે કાયમ ઉપયોગી રહેશે. એ ઉપરાંત તળાવની પાળ, ગાર્ડન, જાહેર શૌચાલય ને રિ-ડેવલોપ કરી ગામના લોકોનો જ વધુ સુવિધા આપવા માંગે છે. 12 ફૂટનો રસ્તો 20 ફૂટનો થશે તો તેનો ફાયદો આ વિસ્તારમાં વાડીઓમાં અવરજવર કરતા દરેક ખેડૂતને થશે. અહીં રહેતા સ્થાનિક લોકોને થશે.સામાન્ય રીતે કોઈ ગામ કે શહેરમાં કોઇ વ્યક્તિ દ્વારા ગામના વિકાસમાં પોતાનો સ્વખર્ચ કરે તો તેને સારું કાર્ય ગણવામાં આવે છે. પરંતુ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વલવાડા ગામે એક બિલ્ડર દ્વારા 12 ફૂટના રસ્તાને પહોળો કરવાની હિલચાલને લઈ ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેને લઈને હાલ વલવાડા ગામનો આ મામલો આ વિસ્તારમાં ચર્ચાની એરણે ચડ્યો છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *