
દમણમાં આવતા વીકેન્ડ દરમિયાન શક્ય ભીડ અને ચાલી રહેલા રસ્તાના વિકાસ કામોને ધ્યાનમાં રાખીને દમણ ટ્રાફિક પોલીસે એક મહત્વની ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. લોકો અને સહેલાણીઓને સુવ્યવસ્થિત પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે આ એડવાઈઝરી હેઠળ મોટા દમણ, જમ્પોર, દેવકા અને બસ સ્ટેન્ડ વિસ્તાર માટે વૈકલ્પિક માર્ગોની સૂચના આપવામાં આવી છે.

પાતલિયા તરફથી મોટા દમણ અથવા જમ્પોર બીચ જવા ઇચ્છતા વાહનચાલકો માટે ભેંસલોર ચાર રસ્તા (કોસ્ટલ હાઈવે)થી વડ ચોકી અને ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ રાજીવ ગાંધી સેતુનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વાપી તથા કુંતા વિસ્તારમાંથી આવતાં વાહનચાલકો સોમનાથ ડીમાર્ટથી વડ ચોકી અને પછી બસ સ્ટેન્ડથી રાજીવ ગાંધી સેતુ મારફતે આગળ વધી શકે છે.
નારગોલ અને મોહનગામ જમ્બુરી તરફથી આવતા પ્રવાસીઓ માટે બામણપુંજા કોસ્ટલ હાઈવે જંક્શનથી ઢોલર જંક્શન અને ત્યાંથી જમ્પોર બીચ તરફ જવા માટે ડાબી બાજુ વળવાની સલાહ આપવામાં આવી છે.
નાની દમણ અને દેવકા બીચ તરફ જતા વાહનચાલકો માટે મગરવાડા સિક્સ ક્રોસિંગ, કચીગામ ગાર્ડન, રીંગણવાડા રોડ અને વડ ચોકી દ્વારા નાની દમણ અને દેવકા તરફ જવાની માર્ગદશા આપવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે મોટા દમણના ફોર્ટ વિસ્તાર માટે ફક્ત મોટા દમણ પુલ દ્વારા પ્રવેશ મંજૂર રહેશે, જ્યારે દમણ નગરપાલિકા પાસે આવેલા કિલ્લાના દરવાજાથી વાહનોને બહાર નીકળવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેમજ ભારે ટ્રાફિકની સ્થિતિમાં, મોટા દમણ તરફથી કોઈ પણ વાહનને રાજીવ ગાંધી સેતુમાંથી પ્રવેશ કરવા દેવામાં નહીં આવે.
દમણ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર જનતા અને સહેલાણીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ જાહેર કરાયેલી એડવાઈઝરીનું સંપૂર્ણપણે પાલન કરે જેથી જાહેર સુરક્ષા જળવાઈ રહે અને ભીડભાડમાં અવ્યવસ્થા ન સર્જાય.
દમણ થી આલમ શેખ..