દમણ: મંગળવારની મોડી રાત્રે નાની દમણના ઝાંપાબાર ખારીવાડ મેઈન રોડ પર આવેલી તનિષ્કા જ્વેલર્સ દુકાનમાં મોટી ચોરીની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, 2 વાગ્યા પછીના કોઈ અરસામાં ભારે વરસાદ દરમિયાન અજાણ્યા 3 થી 4 ધાડપાડુઓએ દુકાનની પાછળની દિવાલમાં બોકારૂ પાડી અંદર પ્રવેશ કર્યો હતો.

ઘટના સમયે દુકાનમાંથી સોનાના દાગીના ચોરીને ગણતરીની મિનિટોમાં ચોરો ફરાર થઈ ગયા હતા. સવારે દુકાનદાર જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે દુકાન ખોલતા તેમને અંદર ખાલી શોકેસ અને બોકારૂ પાડી ગયેલી દિવાલ જોવા મળી. તરત જ દુકાનદારે દમણ પોલીસને જાણ કરી.પોલીસના જણાવ્યા મુજબ, આ ચોરીમાં આશરે 1.40 કરોડના દાગીના ચોરી થયાના અનુમાન છે. જોકે, દુકાનની અંદરના લોકરમાં રાખેલા દાગીના અકબંધ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ નાની દમણ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ. વિશાલ પટેલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી કરી.હાલ, દુકાન તથા આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન છે. દમણના વેપારી ભાઈઓએ પોલીસને રાત્રિના પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગણી કરી છે, જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ