
યુપીએલ ગ્રુપ ની પહેલ, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી (યુપીએલ યુનિવર્સિટી) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સોમરવિલ કૉલેજમાં સ્થિત ઓક્સફોર્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (OICSD)એ એકમેક સાથે સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ્સ અને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં જ્ઞાન વિનિમય આગળ વધારવા માટે એક સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી પહેલેથી જ ચાલતા સહયોગને વધુ મજબૂત બનાવે છે અને વિદ્યાર્થી અને શૈક્ષણિક વિદ્વાનો વચ્ચે તાલીમ અને નૉલેજ શેરિંગ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ ભાગીદારીના અનુસંધાને યુપીએલ યુનિવર્સિટીના પસંદ કરાયેલા પ્રાધ્યાપકોનું એક સમૂહ દર વર્ષે ઓક્સફોર્ડની યાત્રા કરશે, જ્યાં તેઓ માટે અભ્યાસક્રમ વિકાસ અને સંશોધન આધારિત શિક્ષણ પર કેન્દ્રિત વિશેષ તાલીમ યોજાશે. આ પ્રક્રિયા 2026ની સમર સિઝનથી શરૂ થશે. આ સાથે ઓક્સફોર્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના નિષ્ણાતો યુપીએલ યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યક્રમમાં યોગદાન આપશે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતાં મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક શીખવા માટે વધારાના શૈક્ષણિક સેમિનાર શ્રેણી રજૂ કરશે. આ સેમિનાર શ્રેણીમાં આવરી લેવાયેલા વિષયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ એક્શન એન્ડ ટેક્નોલૉજી ઇનોવેશન શામેલ છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બે પ્રત્યક્ષ અને બે ઓનલાઇન વ્યાખ્યાનો આયોજીત કરવામાં આવ્યાં છે.
ભાગીદારી અંગે વાત કરતા યુપીએલ લિમિટેડના ચેરમેન અને ગ્રુપ સીઈઓ જય શ્રોફે જણાવ્યું, ‘યુપીએલમાં અમે માનીએ છીએ કે જ્ઞાનના વિનીમય અને સહયોગ દ્વારા જ વિશ્વના સૌથી ગંભીર ટકાઉપણાના પડકારોને ઉકેલ મળી શકે છે. યુપીએલ યુનિવર્સિટી અને OICSD વચ્ચેની આ ભાગીદારી શિક્ષણ અને નવીનતાના દ્રષ્ટિકોણથી એક શક્તિશાળી પ્લેટફોર્મ ઉભું કરે છે જે ભારતના આગામી પેઢીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને વૈશ્વિક ટકાઉપણાના લક્ષ્યોમાં યોગદાન આપવા માટે સશક્ત બનાવશે. ભારત વૈશ્વિક સંશોધનના ખાલી પડેલા ક્ષેત્રોને ભરવા માટે વિશિષ્ટ રુપે સ્થિત છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટાના OICSD સાથે જે પ્રકારની ભાગીદારીઓ છે તે યુપીએલ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વિનીમય અને ટેક્નોલોજી તથા ટકાઉપણાના ક્ષેત્રે સહકાર માટે એક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં સહાયરૂપ થશે.’
ભાગીદારીની ચાલી રહેલી યાત્રા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં સોમરવિલ કોલેજના પ્રિન્સિપલ અને OICSDની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બેરોનેસ જેન રોયલ્લે જણાવ્યું કે, ‘OICSD સમકાલીન સમયની સૌથી ગંભીર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પડકારજનક સમસ્યાઓ પર સહયોગ વધારવા દ્વારા યુકે અને ભારત વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. UPL સાથેની અમારી નવી ભાગીદારી ક્લાઇમેટ-રિસિલિયન્ટ એગ્રીકલ્ચર, નવીનતા અને પર્યાવરણીય સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક પ્રગતિ કરવાની એક આકર્ષક તક આપે છે. ઓક્સફર્ડ અને ભારત વચ્ચે જ્ઞાન અને વિચારોના આ મહત્વપૂર્ણ આદાનપ્રદાનને વધુ ગાઢ બનાવવા માટે UPL અને તેની યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી સાથે કામ કરવાનો અમને ગર્વ છે.’
યુપીએલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણી જણાવ્યા અનુસાર, ‘આ ભાગીદારી અમારી ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે લાભદાયી રહેશે કારણ કે તે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના OICSD સાથે સીધા શિક્ષણની તકો પૂરી પાડશે અને સસ્ટેનેબિલિટી અને ટેક્નોલોજી સંબંધિત વૈશ્વિક ચર્ચાઓમાં ભાગ લેવાની તક આપશે. આ ભાગીદારી અમારા શૈક્ષણિક સમુદાયને પ્રેરણા આપશે અને ભવિષ્ય માટે સસ્ટેનેબલ ઉકેલો ઘડવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ પ્રકારની વિનિમય પહેલ ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે લાંબા ગાળાના પરિણામોમાં અર્થપૂર્ણ યોગદાન આપશે.’
આ ભાગીદારી શિક્ષણ, નવીનતા અને વૈશ્વિક સહયોગ દ્વારા સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક પ્રણાલીઓનું નિર્માણ કરવા માટે બંને સંસ્થાઓની સહ-પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. OICSD અને યુપીએલ વચ્ચેની ભાગીદારીની શરૂઆત 2021માં ઓપનએગ સિમ્પોઝિયમના સહ-આયોજન સાથે થઈ હતી, જે એક એવું પ્લેટફોર્મ છે જે હવામાન પરિવર્તન અને કૃષિ વચ્ચેના સંધિબિંદુઓની સમીક્ષા માટે સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રોના અગ્રણી વક્તાઓને એકઠાં કરે છે. આ સિમ્પોઝિયમની તાજેતરની ચોથી આવૃત્તિનું આયોજન 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાઈદ બિઝનેસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સિએરા લિઓનના રાષ્ટ્રપતિ ડૉ. જ્યુલિયસ માઆડા બાયોએ મુખ્ય અધ્યક્ષ તરીકે પ્રવચન આપ્યું હતું.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના OICSD સાથેની ભાગીદારી ઉપરાંત, યુપીએલ યુનિવર્સિટીએ એવી ભાગીદારીઓ સ્થાપિત કરી છે જેણે યુનિવર્સિટીના અભ્યાસક્રમને વિવિધ ક્ષેત્રોમાં સમૃદ્ધ બનાવવામાં સહાય કરી છે જેમાં સસ્ટેનેબિલિટી, પર્યાવરણ અનુરૂપતા (environmental compliance), ઑટોમેશન, રોબોટિક્સ એન્ડ પ્રોસેસ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. આ બધી પહેલો મળીને યુપીએલ યુનિવર્સિટીની એ પ્રતિબદ્ધતાને દર્શાવે છે કે જ્યાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને અદ્યતન જ્ઞાન, વ્યાવહારિક કુશળતા અને વૈશ્વિક દૃષ્ટિકોણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી તેઓ ઝડપથી બદલાતી દુનિયામાં નેતૃત્વ આપી શકે.

