
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ખારવા સમાજના બે જૂથો વચ્ચે ગત રાત્રે ગંભીર ઝઘડો થયો હતો. આ ઘટના નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉભી થયેલી રાજકીય અદાવતના પરિણામે સામે આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળ્યું છે કે, ગત રાત્રે કેટલાક લોકો પાનની દુકાને IPL મેચ જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ખારવા સમાજના બે જૂથો વચ્ચે નગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ, જે ટૂંક સમયમાં ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. આ ઝઘડામાં છૂટ્ટા હાથની મારામારી થઈ, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે.

આ ઘટનામાં જાફરાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર, પાલિકાના કારોબારી ચેરમેન સહિત લગભગ 9 વ્યક્તિઓએ ગત નગરપાલિકા ચૂંટણીમાં ઊભા રહેલા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4-5 વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. હુમલાની ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઉભું કર્યું છે.
આ મામલે બંને પક્ષો દ્વારા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને વધુ તણાવ ન થાય તે માટે સતર્કતા રાખવામાં આવી રહી છે.

જાફરાબાદ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે, અને આગામી દિવસોમાં તેની અસર નગરપાલિકાના રાજકારણ પર પડી શકે છે.
અમરેલી જાફરાબાદ થી વીરજી શિયાળ..