
ગાંધીનગર, તા. 24 એપ્રિલ 2025: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આજે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ગુજરાત અને અમેરિકા વચ્ચેના પારસ્પરિક સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતા વધારવા અંગે સકારાત્મક ચર્ચા થઈ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણની તકો અને રાજ્ય સરકારની નવીન નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી. ખાસ કરીને ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી અપાર સંભાવનાઓ અને અમેરિકન કંપનીઓ માટેની રોકાણની તકો પર ચર્ચા કરવામાં આવી.

માઈક હેન્કીએ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં અમેરિકાની વધતી જતી સહભાગીતાનો ઉલ્લેખ કર્યો. તેમણે ગુજરાતના ઝડપી વિકાસ, ઉદ્યોગસૌહાર્દ નીતિઓ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. આ સાથે, અમેરિકન ઉદ્યોગો અને ગુજરાત વચ્ચે ભવિષ્યમાં વધુ સહયોગની શક્યતાઓ પર પણ ચર્ચા થઈ.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન તથા નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં અમેરિકા સાથેનો સહયોગ ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે.
આ મુલાકાત ગુજરાત અને અમેરિકા વચ્ચે આર્થિક, ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગના નવા દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.