
વાપી: વલસાડ જિલ્લાના વાપી શહેરના મોરાઈ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અલોક કંપનીમાં બોમ્બ મૂકવાની અફવા ફેલાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. મળતી માહિતી મુજબ, વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો કે અલોક કંપનીના પરિસરમાં બોમ્બ મુકાયો છે.

મેસેજ મળતાની સાથે જ વલસાડ જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષા જાળવીને કંપનીની અંદર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ સ્પષ્ટ થયું કે કંપનીમાં કોઈ પ્રકારનો બોમ્બ ન હતો અને મેસેજ ખોટો હતો.

વાપી ટાઉન પોલીસે ખોટી અફવા ફેલાવનારા અજાણ્યા શખ્સ સામે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખોટી માહિતી ફેલાવનારી આવી ગતિવિધિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વાપી થી આલમ શેખ..