
દાદરા નગર હવેલીના ખાણવેલ વિસ્તારમાં તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ભારે અસ્તવ્યસ્તી અને આક્રોશ ફેલાયો છે. ડિમોલિશન દરમ્યાન કેટલાક પરિવારો મકાન વિહોણા થઈ ગયા હતા. આવા સંજોગોમાં દમણ-દીવ લોકસભાના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ તાત્કાલિક ખાણવેલ પહોંચ્યા અને પીડિત પરિવારોની મુલાકાત લીધી.

ત્યાં તેમણે જણાવ્યું હતું કે, “આ ઘટનામાં જે રીતે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું તે ખૂબ જ નિંદાજનક છે. કોઈ પણ પરિવારને આ રીતે અચાનક અવાસ વિહોણું કરવી તે માનવતાની વિરુદ્ધ છે.” તેમણે પરિવારના સભ્યોને ન્યાય મળે એ માટે રાજકીય અને ધારાસભા સ્તરે અવાજ ઉઠાવવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પીડિતોને તમામ પ્રકારની મદદ કરવાનો વિશ્વાસ પણ આપ્યો હતો.

સાંસદ ઉમેશભાઈ પટેલ બાદમાં વલસાડના નામો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી નિરંતાબેન ભસરાની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ ડિમોલિશન ઘટનાની અસરને કારણે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. સાંસદએ તેમના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે તંત્ર સાથે સંપર્ક કરીને તમામ શક્ય સહાય કરવાની ખાતરી આપી હતી.

આ સમગ્ર મુલાકાત દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી પ્રભુ ટોકિયા તથા શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી સ્વેતલ ભટ્ટ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. બંને રાજકીય આગેવાનોએ પણ તંત્રના એકતરફી પગલાંની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ અંગે વિશાળ સ્તરે જનસમર્થન સાથે વિરોધ નોંધાવાશે.
સ્થાનિક લોકોમાં પણ સાંસદના સહાનુભૂતિપૂર્ણ વલણ અને તરત પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
દાદરા નગર હવેલી થી આલમ શેખ..