
વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધા ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફ્ફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નર્ક બનવા તરફ…!
વાપી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી નામધા ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર એન્વાયરો નામની આ એજન્સી અથવા તેની પેટા એજન્સી દ્વારા કચરો નામધા લઈ જવાને બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યો છે.
આ ખુલ્લામાં ફેંકાયેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાઘ લગાવે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આ એજન્સી અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ગેરરીતિઓ રોકાય અને વાપીના નાગરિકોને રાહત મળે.
આ ઘટનાએ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે, તો શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર પરિણામો સામે આવી શકે છે.
વાપી થી આલમ શેખ..