ભરૂચ-દહેજ-અંકલેશ્વર ઔદ્યોગિક બેલ્ટને વૈશ્વિક વેપાર હબ તરીકે વિકસાવવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)ના જીઓજી-એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી રંગ લોર્ડ્સ ઇન, એબીસી ચોકડી ખાતે એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં વધુ સક્ષમ બનાવવા માટે માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.

કાર્યક્રમમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર અને જીએફએલના ડો. સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું. દહેજ એસઈઝેડના ડેવલપમેન્ટ કમિશનર અનુપમ કુમારે ભરૂચ-દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ-આયાત કોરિડોર તરીકે વિકસાવવાના મુદ્દે સંબોધન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પોર્ટ, શિપિંગ અને મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ સહિતના મુદ્દાઓ પર પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં મનીષા ઠાકર અને પૂજા સંતે માર્ગદર્શન આપ્યું હતું. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડો. ભૂમિ રાજ્યગુરુએ નિકાસકારો માટે એનએબીએલ માન્યતાના ફાયદા સમજાવ્યા હતા, જ્યારે વૈશલ શાહે ટ્રેડ ફાઇનાન્સ અને રિસ્ક મેનેજમેન્ટ અંગે માહિતી આપી હતી.
આ ઉપરાંત ભરૂચ-દહેજ-અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક બેલ્ટ માટે ભવિષ્યમાં એક્ઝિમ ક્ષેત્ર માટે જરૂરી ટેલેન્ટ તૈયાર કરવા વિષય પર ડો. પરાગ સંઘાણી, ડો. ચેતના મકવાણા અને ડો. હિતેશ ભાટિયાએ પેનલ ચર્ચા કરી હતી. કાર્યક્રમનું સંકલન અને આભારવિધિ ચેતન ભોજાણીએ કરી હતી.

