ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન (JSS) ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ મહિલા સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભરૂચના મામલતદાર એમ.ડી. મિસ્ત્રીએ મહિલા સશક્તિકરણ વિષય પર વ્યાખ્યાન આપી મહિલાઓના સમાજ અને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમની શરૂઆત સ્વામીનારાયણ સ્કૂલની બહેનોની પ્રાર્થનાથી થઈ હતી. સંસ્થાના નિયામક ઝયનુલ સૈયદે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થાન છેલ્લા ત્રણ દાયકાથી ભરૂચ જિલ્લામાં કૌશલ્ય વિકાસ અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત છે.”

આ પ્રસંગે તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી બદલ હિનાબેન પટેલ, રૂપલબેન રાણા, ભૂમીબેન સોની, મનીષાદેવી વસાવા અને ક્રિશ્નાબેન વસાવાને ‘કૌશલ આચાર્ય એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એનજીઓ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ કિંજલબેન ચૌહાણ, કામીનાબા રાજ, હેમાબેન પટેલ, ત્રાપ્તીબેન રાઠોર, હિના સૈયદ અને વૃન્દા વખારીયાને પણ ટ્રોફી અને શાલ અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મહિલાઓના છુપાયેલા કૌશલ્યને યોગ્ય મંચ આપે છે અને સમાજમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. તેમણે સન્માનિત તમામ મહિલાઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઉત્કૃષ્ટ કાર્ય કરવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમનું સંચાલન પરિમલસિંહ યાદવે કર્યું હતું જ્યારે આભાર વિધિ ક્રિશ્નાબેન કઠોલીયાએ વ્યક્ત કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે જે.એસ. કાગઝી, એમ.એ. શેખ, હેતલબેન પટેલ, અબરાર મલેક અને ભૂમિ સોની સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

