ભરૂચ ભાજપની નવી ટીમ જાહેર થતાની સાથે જ ઉભા થયેલા પ્રશ્નો, ચર્ચાઓ અને મુંઝવણો

  • કેટલાક માટે દિવાળી, કેટલાક માટે સીધી ‘હાંસિયામાં પોસ્ટિંગ’ !
  • સંગઠન ગોઠવાયું કે રાજકીય હિસાબ ચુકવાયો?
  • સંગઠન મજબૂત થયું કે જૂથવાદને ખાતર-પાણી મળ્યું?
  • ભરૂચ ભાજપની નવી ટીમ: કેટલાક તાલુકાઓ પર હોદ્દાનો વરસાદ, કેટલાક માટે ટીપું પણ નહીં!
  • સંગઠન કે સમીકરણ? પ્રકાશ મોદીની નવી ટીમ પાછળના રાજકીય સંદેશા શું કહે છે?

Political Analysis – Gautam Dodia (Journalist)

લાંબી પ્રતિક્ષા બાદ ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંકો જાહેર કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના દિવસો હવે ગણતરીના રહ્યા છે અને ગમે ત્યારે તેમનું પ્રમુખપદ છીનવાઈ શકે તેવી ચર્ચાઓ ભરૂચના રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. આવી ચર્ચાઓ વચ્ચે જાહેર થયેલી ૪૮ હોદ્દેદારોની યાદી એક વાત તો ચોક્કસ કહી જાય છે કે અંતિમ ઘડીએ પણ પ્રકાશ મોદીએ પોતાનો રાજકીય ‘પાવર’ બતાવી દીધો છે.

પરંતુ “મારા માણસો ગોઠવો” પ્રકારની રાજકીય કસોટી વચ્ચે જો આ યાદીનું થોડું ઠંડા માથે અવલોકન કરીએ તો એક સવાલ તો ઊભો થાય જ છે — શું આ નિમણૂંકોમાં ખરેખર બધાનો સમાવેશ થયો છે? કારણ કે આ યાદી પર નજર કરીએ તો આદિવાસી અને દલિત સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું છે એવું કહી શકાય તેમ લાગતું નથી. સાથે સાથે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રાજકીય રીતે વજનદાર ગણાય છે તે વિસ્તારો તરફ પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી એવું જણાય છે.

આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની ટીમ જાહેર થતા જ રાજકીય ગલીઓમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાકના ચહેરા ઉતરી ગયા તો કેટલાક જૂથોમાં ખુશીની લાગણી પણ દેખાઈ. નવા ૪૮ હોદ્દેદારોની યાદી પરથી ભરૂચ ભાજપનો અંદરો અંદરનો જૂથવાદ પણ થોડોક બહાર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાની સત્તાનો પુરેપુરો ઉપયોગ કરી પોતાના તેમજ જિલ્લાના થોડાક આગેવાનોના સમર્થકોને યોગ્ય રીતે ‘સેટ’ કરી દીધા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

પત્રકાર તરીકે આ નવી ટીમનું થોડું વિશ્લેષણ કરીએ તો તેમાં કેટલાક રસપ્રદ સંદેશા પણ છુપાયેલા દેખાય છે. નવનિયુક્ત હોદ્દેદારોના નામ પર નજર કરીએ તો તેમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનો પ્રભાવ યથાવત રાખવાનો પ્રયાસ થયો હોય એવું લાગી રહ્યું છે.

એક વર્ષ પહેલા જ્યારે પ્રકાશ મોદીની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી ત્યારે તેમની કાર્યપદ્ધતિનો ખુલ્લો વિરોધ કરનાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ કેટલાક ધારાસભ્યો અને આગેવાનોના સમર્થકો હવે આ નવી ટીમમાં ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયા હોય એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. રાજકારણમાં હિસાબ ઘણી વખત તરત નહીં પણ યોગ્ય સમયે ચુકવાય છે એવું કહેવાય છે… અને આ નવી યાદી જોઈને કેટલાક લોકો એ કહેવત યાદ કરી રહ્યા છે.

આ ટીમ જૂથવાદને ખતમ કરશે કે તેને વધુ મજબૂત બનાવશે તે તો આવનારો સમય કહેશે, પરંતુ હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે આ નિમણૂંકો પછી ભાજપની અંદરની રાજકીય ગતિ વધુ રસપ્રદ બનવાની છે.

તાલુકાવાર આંકડા શું કહે છે?

જાહેર થયેલી ૪૮ નિમણૂંકોનું તાલુકાવાર વિશ્લેષણ કરીએ તો પ્રતિનિધિત્વમાં સ્પષ્ટ અસમાનતા દેખાય છે. કુલ નિમણૂંકોમાં ભરૂચ તાલુકાને સૌથી વધુ ૧૨ પદ મળ્યા છે. ત્યારબાદ ભરૂચ શહેર અને
ને ઝઘડિયા તાલુકાને 7 – 7 પદ આપવામાં આવ્યા છે. વાગરા તાલુકાને 4 જ્યારે અંકલેશ્વર તાલુકા અને શહેરને મળીને ૪ પદ ફાળવવામાં આવ્યા છે.

તે બાદ આમોદ તાલુકાને ૪ અને નેત્રંગ તાલુકાને માત્ર ૩ પદ મળ્યા છે. બીજી તરફ જંબુસર તાલુકા અને જંબુસર શહેરને મળીને માત્ર ૨ પદ, જ્યારે હાંસોટ અને વાલિયા તાલુકાને માત્ર ૧-૧ પદ આપવામાં આવ્યા છે.

આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેટલાક વિસ્તારોને વધારે પ્રાધાન્ય મળ્યું છે, જ્યારે આદિવાસી બહુમતી ધરાવતા નેત્રંગ અને વાલિયા જેવા તાલુકાઓ મર્યાદિત પ્રતિનિધિત્વ સુધી જ સીમિત રહ્યા છે.

જો કે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જાહેર થયેલી આ યાદીમાં સાત જેટલી મહિલાઓને હોદ્દા આપવામાં આવ્યા છે, જેને મહિલા પ્રતિનિધિત્વની દ્રષ્ટિએ સકારાત્મક ગણાવી શકાય.

મુખ્ય બોડીમાં કોણ કેટલું?

જિલ્લા ભાજપની ૨૧ સભ્યોની મુખ્ય બોડી પર નજર કરીએ તો તેમાં ભરૂચ તાલુકાનું સ્પષ્ટ પ્રભુત્વ જોવા મળે છે. મુખ્ય બોડીમાં ભરૂચ તાલુકાને સૌથી વધુ 6 પદ મળ્યા છે. ત્યારબાદ અંકલેશ્વર તાલુકાને, ઝઘડિયા તાલુકા પદ, જ્યારે અંકલેશ્વર શહેર ,વાગરા તાલુકોને ૨-૨ પદ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ભરૂચ શહેર, જંબુસર તાલુકા, જંબુસર શહેર, નેત્રંગ તાલુકા અને આમોદ તાલુકાને માત્ર ૧-૧ પદ મળ્યા છે. જ્યારે વાલિયા તાલુકાની બાદબાકી કરાઈ છે.એટલે કે જિલ્લાની નિર્ણયકારી બોડીમાં ભરૂચ તાલુકાનું પ્રભુત્વ વધુ દેખાય છે જ્યારે અન્ય ઘણા તાલુકાઓ મર્યાદિત પ્રતિનિધિત્વ સુધી જ સીમિત રહ્યા છે.

સામાજિક પ્રતિનિધિત્વ પર પણ સવાલ

હવે જો આ યાદીને સામાજિક દ્રષ્ટિએ જોવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે પ્રકાશ મોદીએ માત્ર પોતાના રાજકીય હરીફોને જ નહીં પરંતુ આદિવાસી અને દલિત સમાજને પણ મુખ્ય બોડીથી થોડા અંતરે રાખ્યા છે. ભરૂચ જિલ્લામાં આદિવાસી અને દલિત સમાજની નોંધપાત્ર વસ્તી હોવા છતાં મુખ્ય બોડીમાં માત્ર એક આદિવાસી અને એક દલિત આગેવાનને જ સ્થાન આપવામાં આવ્યું છે. બાકીની નિમણૂંકો મોટાભાગે મોરચા સુધી મર્યાદિત રાખવામાં આવી છે.

ઉપરાંત મુખ્ય બોડીમાં એકપણ મુસ્લિમ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.

રાજકીય ગણિત અને વિસ્તારનું સંતુલન

જો આ નિમણૂંકોને રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો કેટલીક બાબતો વધુ સ્પષ્ટ બને છે. હરીફ જૂથને નબળું પાડવું, પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવું કે અન્ય સમીકરણોને ધ્યાનમાં રાખવું — આવા બધા પરિબળો રાજકારણમાં સામાન્ય ગણાય છે. પરંતુ આ યાદી જોઈને એવું લાગે છે કે કેટલાક તાલુકાઓ અને વિસ્તારો વચ્ચેનું સંતુલન જાળવાયું નથી.

ખાસ કરીને જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂત ગણાય છે ત્યાં સંગઠન મજબૂત બનાવવા વધુ પ્રતિનિધિત્વ આપવાના બદલે, જ્યાં ભાજપ પહેલેથી જ મજબૂત છે તેવા વિસ્તારોમાં હોદ્દાઓનો ‘વરસાદ’ કરવામાં આવ્યો હોવાનું કેટલાક રાજકીય નિરીક્ષકો માનતા જોવા મળે છે.

એક નાની પરંતુ રસપ્રદ નોંધ…

એક રસપ્રદ બાબત એ પણ છે કે આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ૮ માર્ચ ૨૦૨૬ની રાત્રે ૮ વાગ્યા સુધીમાં, ટીમ જાહેર થયાને આશરે ૧૦ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જિલ્લામાં પાંચ ધારાસભ્યોમાંથી માત્ર વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ જ નવી ટીમને શુભેચ્છા પાઠવી છે.

બાકીના ધારાસભ્યોએ મહિલા દિવસની શુભેચ્છાઓ સહિતની પોસ્ટ્સ તો કરી છે, પરંતુ નવી સંગઠન ટીમને અભિનંદન પાઠવતી કોઈ પોસ્ટ હજુ સુધી જોવા મળી નથી. રાજકારણમાં ક્યારેક મૌન પણ ઘણું કહી જાય છે.

છેલ્લી વાત…

અંતમાં એટલું ચોક્કસ કહી શકાય કે ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમ માત્ર નિમણૂંકોની યાદી નથી. તેમાં જિલ્લાના રાજકીય સમીકરણો, વિસ્તારો વચ્ચેનું અસંતુલન અને આદિવાસી-દલિત સમાજના મર્યાદિત પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ પણ છુપાયેલા દેખાય છે. હવે આ નવી રચના સંગઠનને ખરેખર મજબૂત બનાવશે કે અંદરના અસંતોષને વધુ ઊંડો કરશે — તેનો જવાબ આવનારો સમય આપશે.

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *