
નડિયાદ, તા. 06 મે, 2025
ગઈકાલ સાંજે નડિયાદ શહેર, નડિયાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ સમગ્ર ખેડા જિલ્લામાં વાવાઝોડા સાથેના ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની ગંભીર નોંધ લેતા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ તાત્કાલિક પગલાં ભરવા માટે સરકારી તંત્રને આગ્રહ કર્યો છે. આ બાબતે તેમણે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી અને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી જી.એચ.સોલંકીજીને પત્ર લખી, અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સર્વે હાથ ધરી નુકસાનનો વિગતવાર અહેવાલ સરકારશ્રીને સુપરત કરવા ભલામણ કરી છે.
આ પ્રાકૃતિક આફતના કારણે ખેડૂતો, નાગરિકો અને સંપત્તિને થયેલા નુકસાનનું આકલન કરી, અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને વળતર પૂરું પાડવાની જરૂરિયાત પર શ્રી દેસાઈએ ભાર મૂક્યો છે.

આ પત્ર દ્વારા શ્રી પંકજભાઈ દેસાઈએ સ્થાનિક વહીવટી તંત્રને ઝડપથી કાર્યવાહી કરી, નુકસાનની વિગતો એકત્રિત કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો શરૂ કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે સરકારશ્રીને અસરગ્રસ્તોની સહાય માટે ઝડપી નિર્ણયો લેવા પણ વિનંતી કરી છે.

આ ઘટનાને પગલે નડિયાદ વિધાનસભા વિસ્તારના નાગરિકો અને ખેડૂતોમાં આશા જાગી છે કે સરકારી તંત્ર દ્વારા તેમની મુશ્કેલીઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..