
નડિયાદ તાલુકાના મરીડા ખાતે રહેતા શ્રી કનુભાઈ રજાભાઈ રબારી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તા. 29, એપ્રિલ 2025ના રોજ વહેલી સવારે આશરે 7:15 વાગ્યાના સુમારે તેઓ તેમના કુળદેવી માતાજીના મંદિરે અગરબત્તી-દીવો કરવા ગયા હતા. મંદિરમાં સફાઈ કરતી વખતે તેમણે નોંધ્યું કે માતાજીના ફોટા પાસે રાખેલી ચાંદીની બકરીની મૂર્તિ (અંદાજિત વજન 1.25 કિલો, કિંમત આશરે રૂ. 97,000/-) અને ચાંદીના બે પગલાં યથાવત હતાં.
સફાઈ દરમિયાન તેઓ પાણી ઢોળવા બહાર ગયા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ, જેણે ઓરેન્જ રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને હાથમાં ફૂલ-હારવાળું પ્લાસ્ટિકનું ઝભ્ભું હતું, તે સફેદ રંગની એક્ટિવા (આગળની નંબર પ્લેટ વગર) પર આવ્યો હતો. આ શખ્સ મંદિરમાં દર્શનના બહાને અંદર ગયો અને બહાર નીકળી ગયો.
સવારે આશરે 8:15 વાગ્યે શ્રી કનુભાઈના ભત્રીજા શ્રી મુકેશકુમાર સોમાભાઈ રબારી મંદિરે પૂજા માટે આવ્યા ત્યારે તેમણે ચાંદીની બકરીની મૂર્તિ ગાયબ હોવાનું જોયું. આ અંગે તેમણે કુળદેવીના ભુવાજી શ્રી ભાવિનભાઈ રબારીને પૂછ્યું, જેમણે આ મૂર્તિ વિશે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું. ત્યારબાદ શ્રી કનુભાઈ અને પરિવારના સભ્યોએ મંદિરમાં ભેગા થઈ તપાસ કરી, પરંતુ મૂર્તિનો કોઈ પત્તો ન મળ્યો.
પરિવારની દીકરી એ જણાવ્યું કે, તેમણે એક શખ્સને મંદિરના મુખ્ય દરવાજાના પગથિયાં ચઢતો અને એક્ટિવા ચાલુ હાલતમાં રાખી દર્શન કરવા જતો જોયો હતો. આ શખ્સ ઓરેન્જ ટી-શર્ટમાં હતો અને તેની એક્ટિવાની આગળની નંબર પ્લેટ ગાયબ હતી.
આ ઘટનાને પગલે શ્રી કનુભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, સવારે 7:00 થી 8:00 દરમિયાન અજાણ્યા શખ્સે દર્શનના બહાને ચાંદીની બકરીની મૂર્તિની ચોરી કરી હોવાની શંકા છે. પોલીસને ધોરણસર તપાસ કરી ચોરની ઓળખ અને મૂર્તિની પુનઃપ્રાપ્તિ માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
ખેડા નડિયાદ થી જય શ્રીમાળી..