
અમરેલી, તા. 26 એપ્રિલ 2025: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાની સગી પુત્રીની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું મુખ્ય કારણ યુવતીનો એક હિન્દુ યુવક, કાના નામના વ્યક્તિ સાથેનો પ્રેમ સંબંધ હતો, જેને યુવતીના પિતાએ મંજૂરી આપી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતાએ તેના પ્રેમ સંબંધને નામંજૂર કરી અન્ય જગ્યાએ લગ્ન કરવાનું કહ્યું હતું, પરંતુ યુવતીએ આ માટે ઇનકાર કર્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા પિતાએ ગુસ્સામાં આવીને પોતાની પુત્રીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી પિતાને ઝડપી પાડવા માટે રાઉન્ડઅપની કવાયત હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
આ ઘટનાએ સમાજમાં ઈજ્જત અને પ્રેમ સંબંધોને લઈને ચર્ચાઓને જન્મ આપ્યો છે. પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહી છે, જેથી ન્યાય પ્રાપ્ત થાય.
અમરેલી થી વીરજી શિયાળ..