
આ ઘટના દમણના વ્યસ્ત રસ્તા પર બની હતી, જે મશાલ ચોક અને દમણ એરપોર્ટને જોડે છે. મળતી માહિતી અનુસાર, ઉમરસાડીનો કાર ચાલક પોતાની સ્વીફ્ટ ડિઝાઇર કાર (નંબર: GJ15CH5684) લઈને એરપોર્ટ રોડથી મશાલ ચોક તરફ આવી રહ્યા હતા. તે જ સમયે, ખારાવાડના મોહસીન નામના યુવક પોતાની મોપેડ (નંબર: DD03N9435) પર રોન્ગ સાઇડથી આરટીઓ ઓફિસ તરફ આવી રહ્યો હતો. અને જોરદાર રીતે કાર સાથે અથડાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મોહસીન મોબાઈલ ફોન પર વાત કરતો હતો અને ગફલતભરી રીતે મોપેડ ચલાવી રહ્યો હતો, જેના કારણે તે કાર સાથે સીધો અથડાયો હતો. આ ટક્કર આરટીઓ ઓફિસની સામે થઈ હતી, જે રસ્તા સલામતી અને વાહન નિયમોનું સંચાલન કરતી સંસ્થાની નજીક હોવું એક વ્યંગાત્મક સંયોગ છે. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ સવાર મોહસીનને ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી તરફ, કારની એરબેગ ખુલી જવાથી ચાલકને કોઈ મોટું નુકસાન થયું ન હતું. અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક મદદ માટે પહોંચી અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ઘાયલ યુવકને સૌપ્રથમ મોટી દમણ સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
દમણ થી આલમ શેખ..