વાપી મહાનગરપાલિકા ના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા


વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. આ અંગે મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અમે કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ. જ્યાં ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ ઝોન છે ત્યાં કોઈપણ વ્યક્તિ જરૂરી તમામ પરમિશન સાથે આવી પ્રવૃતિઓ કરશે તો તેની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહિ.


વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉન ધ્યાને આવ્યાં છે. જેઓને GPCB, Fire ની NOC અને બાંધકામ ના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ આપેલી સમય મર્યાદામાં ઘણા ભંગારના ગોડાઉન માલિકો પુરાવા રજૂ કરી શક્યા નથી. કુલ 240થી વધુ ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. જે પૈકીના 140 જેટલા ગોડાઉન માલિકોને ફાઇનલ નોટિસ આપી છે. તો, 40 થી 50 ભંગારના ગોડાઉન માલિકોએ સ્વૈચ્છિક પોતાના ગોડાઉન દૂર કરવા અને તેમાં રાખેલ ભંગારનો અન્ય સ્થળે નિકાલ કરવાની એફિડેવિટ સાથેની બાંહેધરી આપી છે.


મહાનગરપાલિકા ના કમિશ્નર યોગેશ ચૌધરીએ તાકીદ કરી હતી કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ડુંગરા, કરવડ, બલિઠા, છીરી, છરવાડા, ચણોદ, વટાર, મોરાઈ, કુંતા તમામ વિસ્તારમાં જ્યાં પણ રેસિડેન્સીયલ એરિયામાં ભંગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોમાં ક્યાંય બાંધછોડ કરવામાં આવશે નહિ. અમે ભંગારના વ્યવસાય ના વિરોધી નથી. પરંતુ એવો વ્યવસાય જરૂરી નિયમો સાથે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોનમાં થાય.



અનેકવાર ધ્યાને આવ્યું છે કે, રેસિડેન્સીયલ એરિયામાં ભંગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ રહેણાંક વિસ્તાર, શાળા-આંગણવાડી નજીક જ ચાલે છે. પોલીસ સાથે કમિશ્નરે જ્યારે આવા વિસ્તાર ની મુલાકાત લીધી ત્યારે ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. આગની ઘટનાઓ સાંભળવા મળી હતી. જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. હાલમાં આવા દરેક સ્થળે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. હજુ પણ એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જે દરમ્યાન દરેક ભંગારના ગોડાઉન માલિકો તેમની આ પ્રવૃતિઓ બંધ કરી માલસામાન ને અન્ય ખસેડી શકે છે.

વાપી થી આલમ શેખ..


વાપી મનપાની કાર્યવાહી બાદ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી નાખતા ભંગારના ગોડાઉનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી બની, ભંગારના ગોડાઉન ખાલી કરી ભંગારીયાઓની હિજરત શરૂ…!



વાપીમાં ડુંગરા વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં જ ભંગારના ગોડાઉન અને રહેણાંક મકાનો ઉભા કરી રહેતા લોકો સામે વાપી મહાનગરપાલિકા એ કાયદાનો દંડો ઉગામ્યો છે. રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા છે. જેને કારણે લોકોની હાલત કફોડી બની છે.

ભંગારના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજીત 40 થી વધુ પરિવારોના લાઈટ કનેક્શન GEB એ કટ કરી મીટર જપ્ત કર્યા છે. પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે. જેથી આ ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના ટળવળી રહ્યા છે.


તેઓનું કહેવું છે કે, મહાનગરપાલિકા અમને સમય મર્યાદા આપે અને એ દરમ્યાન લાઇટ પાણીની સુવિધા આપે એ સમય મર્યાદામાં અમે અમારા ભંગારના ગોડાઉન દૂર કરી દઈશું. છેલ્લા 35-40 વર્ષથી અમે અહીં રહીએ છીએ જેથી અન્યત્ર અમે રાતોરાત તો કઈ રીતે જઇ શકીએ. અત્યારે અમે ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં મહાનગરપાલિકાએ અમને લાઈટ અને પાણી વગર રાખ્યા છે. હાલમાં ઘણા ભંગાર માલિકો તેમનો સ્ક્રેપ અન્યત્ર ખસેડી રહ્યા છે. અને ગોડાઉન ખાલી કરી રહ્યા છે.

વાપી થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *