
નડિયાદ, તા. 25 એપ્રિલ 2025
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 28 નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે. આ નિર્દોષ શહીદોની આત્માની શાંતિ માટે નડિયાદ સંતરામ સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

સાથે જ આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આ નારકીય કૃત્યની નિંદા કરવામાં આવી હતી.

આ શ્રદ્ધાંજલિ સભામાં ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મંત્રી શ્રી જ્હાનવીબેન, જિલ્લા મહામંત્રીઓ સહિત નડિયાદ શહેર અને જિલ્લાના ભાજપ પરિવારના કાર્યકર મિત્રો, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાયરતાપૂર્ણ હુમલાની ભાજપ નડિયાદ શહેર અને જિલ્લા એકમ દ્વારા કડક નિંદા કરવામાં આવે છે.

અમે શહીદોના પરિવારજનોના દુઃખમાં સહભાગી છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે સદગતોના આત્માને શાંતિ પ્રદાન થાય અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય. આવા આતંકવાદી કૃત્યો સામે ભારત સરકાર અને સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે.