
સંઘપ્રદેશ દમણના નાની દમણ ખારીવાડ આઈસ ફેક્ટરી પાસે આવેલ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધવામાં આવેલ અલ ફલાહ ઈબાદત ખાના મસ્જિદ ને તોડી પાડવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે મકાન માલિકને અંતિમ સૂચના જારી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંઘ દ્વારા જારી કરેલ અંતિમ સૂચનામાં જણાવાયું છે કે, અગાઉ 20 ફેબ્રુઆરી-25 ના રોજ અને 11 માર્ચ-25 ના રોજ મકાન માલિક શમનબાનુ એન. ડીંગમારને બિલ્ડીંગમાં મસ્જીદના ગેરકાયદે બાંધકામને ખાલી કરાવવા અને તેને તોડી પાડવા માટે કારણદર્શક નોટિસ ફટકારી હતી. તેના જવાબો મકાન માલિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે પાલિકાને સંતોષકારક લાગ્યા ન હતા. સાથે સંબંધિત ઈમારતની આસપાસની અન્ય ઇમારતોનું પૂર્ણતા પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હોય પણ કારણ દર્શક નોટિસ માં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે ઈમારતની કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરાઈ નથી. સાથે જ્યારે ઈમારતનું અને ગેરકાયદે બાંધવામાં આવેલ મસ્જિદ નું નિરીક્ષણ કર્યું ત્યારે મસ્જિદ ની ઈમારત સર્વે નંબર 539/2 અને 3 પર જે તે સમયે પાલિકાના પૂર્વ પરવાનગી કે બાંધકામનું લાયસન્સ મેળવ્યા વિના બાંધકામ ચણી દેવાયું હોવાનું તથા ઈમારતના પ્લોટમાં એફ.એસ.આઈ. નું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે આવા અનઅધિકૃત બાંધકામ ને તોડી પાડવા સહિત કાનૂની કાર્યવાહીને પાત્ર હોવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે જાહેર સલામતી ના હિતમાં અને સરકારી નિયમોનું પાલન કરતા ઈમારતના રહેવાસીઓને 15 દિવસની અંદર ઈમારત ખાલી કરવાનો અને ત્યારબાદ ગેરકાયદે ઈમારતને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું અંતિમ સુચનામાં જણાવવામાં આવ્યું છે.
દમણ થી આલમ શેખ..