દમણ એરપોર્ટ રોડ પર ભડભડ સળગી BMW કાર:અચાનક આગ લાગતાં કાર ભસ્મીભૂત, દરવાજો ખોલી બહાર નીકળતાં ડ્રાઈવરનો આબાદ બચાવ, લોકોના ટોળેટોળા ઉમટ્યા

દમણના એરપોર્ટ રોડ પર આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક BMW કાર (MH 02 DI N 9725) અચાનક આગની લપેટમાં આવી ગઈ. કારના ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તે કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોનેટનો ભાગ ધૂ-ધૂ કરીને સળગવા લાગ્યો હતો. ડ્રાઈવરે તરત જ કાર રોકી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, ઓઈલ લીકેજ, શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે.દમણ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ તેઓ તુરંત સ્થળ પર પહોંચી ગઈ. ટીમે આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.

વાહનોની ટેક્નિકલ તપાસ જરૂરીઆ ઘટનાએ વાહનોની નિયમિત તપાસ અને જાળવણીનું મહત્વ ફરી એકવાર ઉજાગર કર્યું છે. વાહન માલિકોએ સમયાંતરે પોતાના વાહનોની ટેક્નિકલ તપાસ કરાવવી જોઈએ અને કોઈપણ ખામી તાત્કાલિક દૂર કરાવવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. કારની આગ બાદ હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને એરપોર્ટ રોડ પરનો ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે.

દમણ થી આલમ શેખ..

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *