રખડતા ઢોરોના કરાણે નારગોલ ગામ વિસ્તારમાં ખેતી સંપૂર્ણ રીતે બંધ થવાના આરે
નારગોલ ગામની અંદર રખડતા ઢોરોની સંખ્યા વધી રહી હોય તેમજ રહેણાંક અને ખેતીને થતો નુકસાન અટકાવવા માટે ઢોરોના માલિકો સામે કડક પગલાં ભરવા ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે.

ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે રખડતા ઢોરોની સંખ્યા કાબુ કરવા દર વર્ષે ગ્રામ પંચાયત સક્રિય રીતે ભાગ ભજવતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામના કેટલાક માથેભારે પશુપાલકો પોતાના પશુઓ નધણિયાતી હાલતમાં પશુઓ છોડી મૂકવાથી રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતીવાડીમાં ભારે નુકસાન કરી રહ્યા છે. રખડતા ઢોરોના કારણે ખેડૂતો ખેતી કરવાનું છોડી રહ્યા છે. ખોરાકની શોધમાં પશુઓ ઘરની અંદર પ્રવેશી ઘરવખરી ને ખોરાક બનાવી રહ્યા છે. નાના બાળકો તેમજ વડીલો માટે જોખમ ઉભુ થઈ રહ્યું છે. તેજ પરિસ્થિતિ જાહેર સ્થળે જેવા કે બજાર, બસ સ્ટેન્ડ, શાળાઓમાં સર્જાઇ રહી છે. ગામના જૂજ વ્યક્તિઓના પશુઓ સમગ્ર ગામમાં દેહત મચાવી રહ્યા છે જે રખડતા ઢોરોને અંકુશમાં રાખવા એવા ઢોર માલિકોના નામો મેળવી મરીન પોલીસને મોકલી આપવાનો નિર્ણય ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. આ મુદ્દે ગ્રામ પંચાયત ખાતે મળેલ પોલીસ લોક દરબારમાં મરીન પોલીસ મથકના પીઆઇ પ્રવીણભાઈ વળવી સમક્ષ પંચાયતની ટીમે રજૂ કરતા માથે ભારે પશુપાલકો સામે પંચાયત અને પોલીસ સંયુક્ત રીતે પગલાં ભરશે તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તાત્કાલિક પોતાના પશુઓને નિયંત્રણ કરવા ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. સરપંચ સ્વીટી ભંડારીના જણાયા મુજબ રખડતા ઢોર ગામ માટે મોટી સમસ્યા બની ચૂકી છે જે ખેતરરોમાં તો નુકસાન કરે જ છે પરંતુ જાહેર માર્ગો ઉપર અકસ્માતનું કારણ પણ બની રહ્યા છે જેથી કોઈપણ સેહ શરમ વિના પશુપાલકોના નામો પોલીસમાં મોકલી આપવામાં આવશે અને રખડતા ઢોરો ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ જરૂરી પ્રબંધ કરી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે. સ્થાનિક ઠેકાણે પશુઓ રાખવા માટે ગ્રામ પંચાયત સગવડ ઊભી કરવા જઈ રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ